Sunday, November 10, 2013

ન પ્રકલ્પ, ન વિકલ્પ, નૂતનવર્ષે ધરીએ નવ સંકલ્પ.



ન પ્રકલ્પ, ન વિકલ્પ, નૂતનવર્ષે ધરીએ નવ સંકલ્પ.



New Year`s Good resolutions are simply checks that men draw on a bank where they have no account.”
 
– Oscar Wilde (Irish Writer & Poet)
=====
પ્રિય મિત્રો,
આપના હાથમાં `પાંચમી દિશા`નો આ અંક આવશે ત્યારે આપ વિક્રમ સંવત ૨૦૬૯-૭૦ની સાલની દિવાળી તથા નૂતન વર્ષના તહેવારનો આનંદ માણી રહ્યા હશો. આપની આસપાસ સમગ્ર વાતાવરણ આનંદ તથા ઉલ્લાસથી ભરપૂર હશે અને આપ સાતમા આસમાનમાં વિહાર કરી રહ્યા હશો. કેટલાક પાઠક મિત્રો નવા વર્ષમાં શક્ય-અશક્ય એવા ઘણા સંકલ્પ કરવા માટે પણ થનગની રહ્યા હશે..!
હાલમાં, દેશના રાજકારણમાં વળી, શૌચાલયથી માંડીને દેવાલય સુધી તમામ બાબતમાં, ધર્મનિરપેક્ષતા-ધર્મસાપેક્ષતાની ચર્ચા અત્યંત જોરમાં છે તેથી, એક મિત્ર મને બેહૂદો સવાલ પૂછે છે, " આપણા `સંકલ્પ મહાશય` ધર્મનિરપેક્ષ ગણાય કે ધર્મસાપેક્ષ ગણાય..!"  જોકે, મારા મત અનુસાર તો, સાચા અર્થમાં દર નવા વર્ષે કરવામાં આવતા આપણા `સંકલ્પ મહાશય` એકલા જ આપણા દેશમાં સાચા ધર્મ નિરપેક્ષ ગણાય કારણકે, તે ક્યારેય જાતિ-જ્ઞાતિ, નાનાં-મોટાં,નર-નારી, મનના કાચા-પાકા જેવા ભેદભાવ રાખ્યા વગર સહુને પોતાના ગળે વળગાડે છે. વળી, પોતાને બળજબરીપૂર્વક તરછોડનારા સામે પણ, કોઈ દિવસ છાપામાં નિવેદન નથી છપાવતા કે, કોઈ ટીવી ચેનલ પર વ્યર્થ દલીલો કરવા ચોવીસ કલાક ઉપસ્થિત નથી રહેતા..!
મારા બીજા એક મિત્ર મને કહે છે કે," આ બેસતા વર્ષે તો કોઈ `વજનદાર` સંકલ્પ કરવો છે જેથી ગત વર્ષની માફક આ વર્ષે, તે મનમાંથી છટકી ન જાય..!"
હળવેથી મેં કહ્યું, " એક કામ કર, મારાં વજનદાર ભાભીની(100Kg?) સલાહ મેળવીને આ સંકલ્પ કરજે, વર્ષભર તો શું, જીવનભર તે ક્યાંય છટકી નહીં શકે..!"
તો ચાલો, આ એક જ મિત્રને શામાટે? આપણે બાકીના સર્વ મિત્રો પણ યોગ્ય સંકલ્પ કરી શકે તે કાજે તમામને સાચા હ્રદયથી મદદ કરવાનો, આ વર્ષનો `આપણો સંકલ્પ` સિદ્ધ કરવા નમ્ર પ્રયાસ કરી જોઈએ..!  
દોસ્તો, શું આપ જાણો છો? વિશાળકાય કમ્પ્યૂટર્સને માણસની હથેળીમાં સમાવતા સેવાભાવી ટૅબ્લેટ સ્વરૂપે રમતા કરવાનો યશ જેને ફાળે જાય છે તે, અમેરિકન સ્ટિવ જોબ્સ એટલેકે Apple Inc. ના સ્થાપક સ્ટિવન પૌલના જીવનની અંતિમ ક્ષણે તેના હોઠ પર આખરી શબ્દ હતા, "Oh Wow, Oh Wow, Oh Wow!"  શું હશે આ ઉદ્ગારનો અર્થ? કેવળ, એક નાનકડા ગેરેજમાં શરૂ કરેલી એક નબળી કમ્પ્યૂટર કંપનીને પોતાના તર્ક-તક તથા સંકલ્પ સિદ્ધિ દ્વારા, વિશ્વભરમાં મહત્તમ ઊંચાઈ પર પહોંચાડી અવનવા ગેઝેટ્સના આવિષ્કાર વડે જેણે  દુનિયા આખીને આંગળીના ટેરવે રમતું કરી દીધું, તે સ્ટિવ જોબ્સને અંતિમ ક્ષણે પણ કોઈ અદ્ભુત નવા આવિષ્કારનો સંકલ્પ સિદ્ધ થયાનો અણસાર આવી જતાં, અત્યંત ઉત્તેજનામાં સરી પડેલા, "Oh Wow, Oh Wow, Oh Wow!"  આખરી શબ્દ સ્ટિવ જોબ્સની પોતાના સંકલ્પ પાલન પરત્વે પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આપણામાં પણ એક કહેવત છેકે, ` કૂકડીનું મોં ઢેફલીએ રાજી = નાના માણસને થોડાથી સંતોષ થાય છે.` પરંતુ, આજે આપણે, `થોડાથી સંતોષ કરનારાઓ`ની વાત નથી કરવી. આપણે તો આવનાર નવા વર્ષમાં નવાં ઉત્તુંગ શિખરને સર કરવા માંગતા સ્ટિવ જોબ્સ જેવા સાહસિક માનવીઓના નવ સંકલ્પની વાત કરવી છે. કહેવાય છેકે, આપણું સદનસીબ તે, આપણે પાડેલા પરસેવાની સફળતાના મળેલા ફળ ઉપરાંત વધારાનું વળતર (BONUS) છે. વિશ્વના મહાન બોક્સર મહમ્મદ અલી પોતાની ટ્રેઈનીંગના સમયને ખુબ ધિક્કારતો હતો છતાં, તે સમયે પોતાના મનને એમ કહીને સમજાવી લેતોકે," અત્યારે આ સમયને ચૂપચાપ સહન કરી લે અને તારું બાકીનું સમગ્ર જીવન એક વિશ્વવિજેતા તરીકે જીવ..!" આપણે સુદ્ધાં, " હું વિચારું છું કે હું સંકલ્પ પાળી શકીશ." ને બદલે " હું જાણું છુંકે, હું સંકલ્પ કેવી રીતે પાળીશ." તેમ મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નવા વર્ષના સંકલ્પ સ્વરૂપે, મનની આંખનો અંધાપો અને સમઝશક્તિમાં પ્રજ્ઞાચક્ષુપણું ત્યજીને આજે, નવી જ આશાનો સંચાર કરતા,નવા વર્ષના હકારાત્મક, આશાવાદી વાતાવરણમાં, આપણે સાચા હ્રદયથી, ઈશ્વરને પ્રાર્થના કરીએકે, " હે પ્રભુ, સંકલ્પ પાલન બાબત જ્યારે મને અપાર હતાશા ઘેરી વળે, ત્યારે મારી સંકલ્પપૂર્તિ કાજે મારી ભીતર અમાપ મહેચ્છાગ્નિ પ્રગટ કરજે."
કલ્પનાથી ય બહુ દૂર ધીરજ થઈ ગઈ છે, દીર્ઘ શ્રદ્ધા પછીની એ સમજ થઈ ગઈ છે;
એટલા દિવસો વિતાવ્યા છે મેં દુઃખમાં બેફામ,કે દયા કરવી એ ઈશ્વરની ફરજ થઈ ગઈ છે.

- આદરણીય શ્રીબરકત વિરાણીસાહેબ(બેફામ).
નવ વર્ષ સંકલ્પ સિદ્ધિ, એક ગુરુ પ્રસાદ.
મિત્રો, બેસતા વર્ષના દિવસે, પોતપોતાના માનેલા ગુરુ દ્વારા, સંકલ્પ (વચન) લેવાનો ભવ્ય સમારોહ ઘણા ખરાં ધાર્મિક સ્થાનમાં યોજાતો હોય છે. આ સંકલ્પ જો સાચી શ્રદ્ધાથી લેવામાં આવે તો મક્કમતાપૂર્વક તેને વર્ષભર પાળી પણ શકાય છે. જોકે, મારું માનવું છેકે, આજકાલ સાધક બચારો જેટલી અનન્ય શ્રદ્ધાથી ગુરુને સન્માને છે, તેટલા જ અપમાનજનક વ્યવહારથી આવા કહેવાતા ગુરુઓ સાધકની શ્રદ્ધા ડગુમગુ થાય તેવાં કુકૃત્ય આચરીને સાધકને કોડીનો કરી દેતા હોય તેમ ભાસે છે..! કદાચ, આવા જ કારણસર કેટલાક કહેવાતા ગુરુઓ એક પછી એક વૈકુંઠ નિવાસી (જેલ) થવા લાગ્યા છે..! તાજેતરમાં, કહેવાતા સંત `નિરાશારામો`ની થયેલ ફજેતી અને  દુર્ગતિ જોતાં એક બાબત નિશ્ચિત છેકે નવા વર્ષનો સહુ પ્રથમ સંકલ્પ તો એજ કરવો જોઈએ કે, હું જ મારો ગુરુ બનીશ અને માત્રને માત્ર મારા `અંતર મનના` (આત્માના) અવાજને જ અનુસરીશ. આથીજ, `મન` વિષયે, બાળગંગાધર ટિળક કહે છે કે, "મનોવ્યાપારમાંથી સારાસાર વિવેકશક્તિ બાદ કરીને બાકી રહેલ સર્વ વ્યાપાર જે ઇંદ્રિયથી થાય છે તેને `મન` એ નામ આપવાનો સાંખ્ય અને વેદાંત એ બે શાસ્ત્રોનો વહીવટ છે." યાદ રાખો, આપણું મન કુશળ વકીલની માફક, `હોવું જોઈએ` ( એટલેકે સંકલ્પ), અથવા ઊલટી રીતે `આમ હોવું જોઈએ`ના (એટલેકે વિકલ્પ), નિર્ણય માટે આપણી બુદ્ધિ સમક્ષ `સંકલ્પ-વિકલ્પને` રજૂ કરે છે અને તેથી `સંકલ્પ-વિકલ્પને` નિર્ણય કરનાર નહિ પણ, માત્ર કલ્પના કરનાર ઇંદ્રિય એમ પણ કહે છે. વળી સંકલ્પ એ શબ્દમાં જ કેટલીક વાર નિશ્ચયનો પણ સમાવેશ આપોઆપ થયેલો માની લેવાય છે.
જોકે, એ બાબત પણ નિતાંત સત્ય છેકે, જીવનમાં સર્વ પ્રથમ આપણા માટે લાભકારી સંકલ્પ લેવરાવનાર પ્રથમ ગુરુ, તે આપણી જન્મદાતા માતા છે. `આમ કરાય` અને `આમ ન જ કરાય` તેમ કહી સંશય રહિત જીવન પદ્ધતિ શિક્ષણનું પગરણ માતાના ગર્ભમાંથી જ શરૂ થઈ જાય છે. નવા વર્ષે કરવામાં આવતા દરેક સંકલ્પના ફાયદા-ગેરફાયદા સુપેરે જાણનાર વ્યક્તિ,` ભણેલો સાથે જ, ગણેલો છે.` તેમ કહી શકાય. માતા નામના ગુરુ આપણને ભણતર સાથે ગણતરના અમૂલ્ય પાઠ શીખવે છે. મહાન ગ્રીક ફિલૉસૉફર ઍરિસ્ટોટલ પણ, `ભણતર સાથે ગણતર`ની જરૂર હોવાના સમર્થનમાં, `વ્યવહારીક શાણપણને કેળવીનેજ, સાચું સુખ મેળવી શકાય` તે વિધાનનું સમર્થન કરે છે. તો પછી, શું દીપોત્સવી જેવા તહેવારો, માનવીને નવ વર્ષના સંકલ્પ પાલન દ્વારા હકારાત્મક આચરણ કરવા પ્રેરી શકે? જીહા, કેમ નહીં..! નવા વર્ષે કરવામાં આવતા સંકલ્પ એ માત્ર ઔપચારિકતા હરગિજ નથી. તે તો ગત વર્ષની થયેલ ભૂલ સુધારણાની અનેરી સોનેરી તક છે. આજ કારણસર, અત્યાર સુધી આપણા સંપર્કમાં આવેલા કેટલાક મૂર્ખ લોકોના બેવકૂફીભર્યા કથન પરત્વે સહેજ પણ ધ્યાન આપ્યા વિના, આપણે તેવા લોકોને કોઈપણ પ્રકારે ઉત્તેજન નહીં આપવાનો દૃઢ નિશ્ચય કરવાની જરૂર છે. અહીં મૂર્ખ એટલે, જેમણે જીવન જીવવા પૂરતું પણ જ્ઞાન નથી મેળવ્યું તથા જે પોતાનું કાર્ય પણ સારી રીતે નથી કરી શકતા તે લોકો ક્યારેય સુખને કે સારી સ્થિતિ પામી શકતા નથી.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે..!
- શ્રીજલન માતરી.
આથી, દુઃખોનું લશ્કર આપણા પર ચડાઈ કરે તે પહેલાં જ, મૂર્ખ માનવીની સોબત ત્યજીને, સારા મહાપુરુષો અને ઉત્તમ જીવન ઉપયોગી ગ્રંથોની સોબતથી, સ્વત્વ (સ્વયં) નિરીક્ષણ સંકલ્પ પાલન અંગે લાંબી ધીરજભરી, આકરી તપશ્ચર્યા દ્વારા સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનો દરેકે સંનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.
સન-૧૯૪૪માં ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત પંડિતપ્રવર આશાધર રચિત જૈન ધર્મગ્રંથ,`ધર્મામૃત સાગર`માં ઉપરોક્ત દર્શાવેલ તમામ `અતિચાર`થી બચવા `નિરતિચાર વ્રત` વિશે અત્યંત ગહન ચિંતનાત્મક વિવરણ કરવામાં આવ્યું છે. `નિરતિચાર વ્રત એટલે ધાર્મિક અથવા નૈતિક પવિત્રતા કાજે કરવામાં આવતા દૃઢ સંકલ્પ.` આ ગ્રંથ અનુસાર જેઓને જીવનદર્શનનો સાચો માર્ગ લાધ્યો છે તે સહુ દાર્શનિક નિરતિચારનું પાલન કરે છે. જે પ્રકારે કસ્તુરી મૃગની નાભિમાં સ્થિત કસ્તુરીની સુગંધ આપોઆપ ચારે તરફ ફેલાય છે તેમ આવા નિરતિચાર વ્રતનું સચ્ચાઈપૂર્વક પાલન કરનાર તમામ દાર્શનિક પોતાની જાતના ઉદ્ધાર સાથે પોતાના સંપર્કમાં આવનાર અન્ય સર્વ માનવીઓની જીવનનૌકાને પણ અસહ્ય દુઃખોથી ભરપૂર વૈતરણી પાર (મોક્ષ) કરાવે છે. દૃઢ સંકલ્પ પાલન દ્વારા જીવનમાં અદ્ભુત બળની પ્રાપ્તિ થાય છે.આમ `નિરતિચાર` સાચા અર્થમાં અતિચારના દોષથી અસ્ત-વ્યસ્ત જીવનના સ્થાને, સામાયિક ચારિત્ર છોડી આરોપવામાં આવતા નિરતિચારના બીજા ચારિત્ર દ્વારા જીવનને શાંત-સ્વસ્થ અને શક્તિશાળી બનાવે છે.
નવ વર્ષે કરેલા સંકલ્પને સિદ્ધ કરવા માટે આ રહ્યા સચોટ નવ (૯) ઉપાય.
* મારા સંકલ્પને નવા વર્ષમાં નવેસરથી એક નવી તક પ્રાપ્ત થઈ છે તેને હું એળે નહીં જવા દઉં.
* હું મારા મનના `સંકલ્પ-વિકલ્પ અને પ્રકલ્પ(આચરણ)` નામના જમા-ઉધારની ખાતાવહીનાં કોરાં પાનાંઓમાં નવા વર્ષના નવ સંકલ્પનું પ્રથમ પ્રકરણ નવેસરથી લખવાનું શરૂ કરીશ.
* ભૂતકાળની ભૂલો અને ભવિષ્યની ભુલભુલામણીમાંથી મારા સંકલ્પને મુક્ત કરાવી, હું તેને વર્તમાન ક્ષણમાં જીવતાં શીખવીશ.
* હું મારા સંકલ્પને ક્ષુલ્લક બાબતોની માયાજાળમાં નહીં ફસાવવા દઉં.
* હું મારા સંકલ્પને દિલમાં સંઘરીશ જેથી નવા વર્ષનો પ્રત્યેક દિવસ મારા માટે ઉત્તમોત્તમ બની રહે.
* હું મારા સંકલ્પને મારા મનપર બોજારૂપ ક્યારેય નહીં બનવા દઉં.
* હું મારા સંકલ્પને લાડથી પંપાળી, નબળા પાડી, તેને હાંસીને પાત્ર ક્યારેય નહીં બનવા દઉં.
* હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે, મારી સંકલ્પ સિદ્ધિ માટે, સમગ્ર વર્ષ દરમિયાન મારી આકરી કસોટી કરતો રહે. 
* હું નવ વર્ષ સંકલ્પ ને અવારનવાર દ્ગઢતાનો તણખો ચાંપી સજાગ રાખીશ.
મિત્રો, યાદ રહે, નવા વર્ષે કરવામાં આવેલ પ્રત્યેક સંકલ્પ એટલે, મનના આંગણની નવેસરથી સજાવટ, વ્યક્તિત્વને નવેસરથી ચમકાવવાની તક, મનની ગાગરમાં ઉમળકો અને ઉલ્લાસનો સાગર ભરી લેવાની તક, સંબંધોને મધુરસની મીઠાશમાં ઝબોળવાની તક, આપણા આખા કોળિયામાંથી અન્યને અડધા કોળિયાના દાન દ્વારા સંતોષનો ઓડકાર લેવાની તક, આત્મવિશ્વાસના (Will Power) રોકેટમાં ઈંધણ ભરવાની તક, અસીમ વ્યર્થ ઇચ્છાઓના અરબી ઘોડાને લગામ કસવાની તક, ખરાબ વ્યસનને ટાટા-બાયબાય કહેવાની તક તથા આ ક્ષણભંગુર જીવનની પ્રત્યેક અમૂલ્ય ક્ષણનો સદુપયોગ કરવાની તક.
"માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે,બલકે એમાં છેકે તે શું બની શકે છે."
- ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્નન.
જોકે, સહુ કોઈ જાણે અને માને છેકે, નવા વર્ષના પ્રારંભે કરેલા કોઈપણ સંકલ્પનું પાલન કરવું, તે કેટલી અઘરી બાબત છે, જેટલી ઉમદા પ્રતિજ્ઞા તેટલો તેનો અઘરો અમલ..!
અત્યંત લાભદાયી સંકલ્પ - `ત્યાગીને ભોગવો.`
તો શું સંકલ્પ પાલન આપણે માની લઈએ છે, તેટલું અઘરું હશે? ના..રે..ના..! બિલકુલ નહીં. પશ્ચિમી જગતમાં, ઉચ્ચ અભ્યાસ માટે સર્વપ્રથમ, સંસ્થા સ્થાપનાર,મહાન ગ્રીક ફિલૉસૉફર,ગણિતશાસ્ત્રી,પ્લેટોએ મત બાંધ્યો છેકે," સજ્જન બનવા માટે, એકમેકને અનુસરતા, સંકળાયેલા ઘણા ઓછા રસ્તા છે,પરંતુ નઠારા( શેતાન) બનવા માટે અગણિત રસ્તાઓ જગતમાં હાજર છે." 
ॐ ईशा वास्यमिदम् सर्वं यत्किञ्च जगत्यां जगत् |
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्  ||
ઈશાવસ્ય ઉપનિષદના ઉપરોક્ત ઉપદેશાનુસાર, જો આપણે..., * આપણી જરૂરિયાતને પ્રમાણસર કરી, ત્યાગીને વાપરતાં શીખીએ.*આંતરિક ઊર્જાને સંકોરીએ.* બીજાની ભૂલને માફ કરવાની ટેવ પાડીએ.* નવ વર્ષમાં બગડેલા સંબંધોને મધુર બનાવીએ.* લીડરશીપનો સદ્ગુણ કેળવીએ.* સારાનરસાનો ભેદ કરતાં શીખીએ.* ઉચ્ચ આકાંક્ષાઓ રાખતા થઈએ.* સ્મૃતિ, સ્મરણશક્તિને ધારદાર બનાવીએ.* કલ્પનાશક્તિ ખીલવવા કાજે દિવાસ્વપ્ન જોતાં શીખીએ.* હતાશા અને નિરાશાની સ્થિતિમાં જાતને જાળવી લઈએ.* સમય અને સ્થળનો સદુપયોગ કરતાં શીખીએ.* પોતાની ક્ષમતાનું નવેસરથી માપ કાઢીએ.* ઝડપથી બદલાતી સ્થિતિમાં, ત્વરિત સાચા નિર્ણયો લેતાં થઈએ.*જીવનમાં દરેક બાબતનો તાલમેલ બેસાડતાં શીખીએ.* ડરની લાગણી, નકારાત્મક વિચારો અને નિષ્ફળતાને અવગણતાં શીખીએ.* પ્રતિસ્પર્ધીઓનો પણ આદર કરતાં શીખીએ.* હારજીત ભૂલી આગળ વધતા રહીએ.*આંતરિક શક્તિઓને શક્તિશાળી બનાવીએ.* મહત્ત્વકાંક્ષા પાળી-પોષી તેને સંતોષવાના માર્ગ કંડારીએ.* પડકારો સામે વિજય મેળવીને તનમનધનથી સમૃદ્ધ થઈએ.* મનને ધીરજના પાઠ શીખવીએ.* વિશિષ્ટ કૌશલ્ય પ્રાપ્ત કરી નવી શક્તિ પ્રાપ્ત કરીએ. * આપણી સામાજિક ઓળખને મહત્તમ સુદ્રઢ કરીએ.* નવી-નવી સમસ્યાઓને ઓળખી-ઉકેલી, પોતાનું જ્ઞાનસંચય વધારીએ.* વિપરીત સ્થિતિમાં પણ, મનને શાંત અને સ્વસ્થ રાખતાં શીખીએ.* સાચા રસ્તે નીસરી પડી અમૂલ્ય જીતનું મૂલ્ય સમજીએ તો આ નવ વર્ષના અંતે આપણે જીવન સાફલ્યના મીઠાં મધુરાં ફળ અવશ્ય ચાખી શકીશું.
આટલું જાણો કે, આદિઅનાદી કાળથી, જેને દાનવ માની લઈ, દર દશેરાએ જેનાં પૂતળા ફૂંકીને રાવણ નામના એક દુષ્ટાત્માને સજા આપ્યાનો આપણે સંતોષ માણીએ છે, તે રાવણ જેવા મહા દાનવે પણ, પોતાના જીવનમાં દૃઢ સંકલ્પ કરી, એક પ્રતિજ્ઞા આજીવન પાળી હતી અને તે એ કે, કોઈપણ સ્ત્રીની મરજી વિના બળજબરીપૂર્વક પોતે તેનું શીલભંગ નહીં કરે. આ અનન્ય વ્રતને કારણેજ રાવણે સીતાજીનું અપહરણ તો કર્યું પણ તેમની આબરૂને બટ્ટો લગાવવાની કોશિશ સુદ્ધાં ના કરી. કદાચ, હાલમાં આપણી બહેન દીકરીઓ પર ગુજારાતા જઘન્ય બળાત્કાર કરનારા માનવરૂપી દાનવોએ, રાવણ સમ દાનવની પાસેથી, આ માનવતાનો ધર્મ જીવનમાં ઉતારવાની જરૂર હોય તેમ આપને નથી લાગતું?
બાળકો, યુવાનો,માતાપિતા,વાલીઓ તથા સમાજ માટે નવ વર્ષના સંકલ્પ.
મહાભારતના`વન પર્વ`ના એક પ્રસંગ અનુસાર, જૂગટું હારી ગયા બાદ વનવાસી થયેલા પાંડવોના આંગણે, બરાબર ભોજન ટાણે અતિથિ બની પધારેલા ઋષિવર દુર્વાસા મુનિની ઉદર તૃપ્તિ, ભગવાન શ્રીકૃષ્ણએ અક્ષયપાત્રમાંથી શોધી કાઢેલા કેવળ એક ભાજીના તાંતણાને આરોગીને કરી હતી તે જ પ્રકારે, આપણા હ્રદયના અક્ષયપાત્રમાંથી, આપણે ઈશ્વરને જાણે પ્રસાદ ધરાવતા હોય તેવા ભાવ સાથે, સંકલ્પ કેરા માત્ર એકાદ તાંતણાને સાચા હ્રદયથી આપણા જીવનમાં ધરીએ તો આપણી તમામ ઇચ્છા ચપટી વગાડતાં જ તૃપ્ત થઈ શકે છે, તે બાબત નિશ્ચિત છે.   

મિત્રો,મજાકમાં એમ કહેવાય છેકે, એકવાર ભારતભરના શહેરોમાં આવેલ ડિસ્કોથેકની ખ્યાતિ સાંભળીને દાનવરાજ રાવણને પણ ડિસ્કો સંગીતની ધુન પર નાચવાનું મન થઈ ગયું. જોકે ડિસ્કોથેકમાં પ્રવેશ માટે માથા દીઠ ફીના અસહ્ય દર સાંભળી, તે પોષાય તેમ ન હોવાથી,  `દશાનન` રાવણ ડિસ્કોથેકના દ્વારથી જ પરત ફર્યો. સોનાની લંકાના સ્વામી દાનવરાજ રાવણને પણ જો ભારતની મોંઘવારી નડતી હોય તો સમજવા જેવું છેકે, નાણાંની લાલસાએ સમગ્ર ભારતને એવી કેટલી હદે ભરડો લીધો હશેકે, આજે સમગ્ર દેશ જાણે અંધકાર યુગમાં ધકેલાઈ ગયો છે..! `અતિ સર્વત્ર વર્જયેત` અર્થાત્- જ્યારે કોઈપણ બાબતનો અતિરેક થાય ત્યારે તે બાબત આપણને દાનવ બનાવી દે છે. આપણા સત્તાધીશના વાણી,વર્તન સુદ્ધાં અહંકાર અને ઉદ્ધતાઇથી નિરંકુશ થયેલાં જણાય છે. મોંઘવારીના અસહ્ય મારને કારણે સામાન્ય દેશવાસીઓનું જીવન દોહ્યલું બન્યું છે. સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક જેવાં તમામ ક્ષેત્રે નિરાશાજનક વાતાવરણ અનુભવાઈ રહ્યું છે છતાં સમગ્ર દેશમાં, સાવ બાળપણથી, શાળામાં પાંજરે પુરાયેલા પોપટને જાણે `સીતારામ`નું રટણ કરવાતા હોય તેમ,`ભારત મારો દેશ છે.બધાં ભારતીયો મારા ભાઈબહેન છે...!` જેવી પ્રતિજ્ઞાનું (સંકલ્પનું)  મને-કમને  ફરજિયાત રટણ કરાવવામાં આવે છે. કદાચ, અહીંથી જ આવી પ્રતિજ્ઞા કે સંકલ્પ કર્યા બાદ તેના ભંગ કરવાના દર્દનાક પાઠ જાણ્યેઅજાણ્યે કુમળાં બાળકોને ભણાવવામાં આવે છે?
જોકે, મને ખાત્રી છે, નવા વર્ષના આગમન સાથે દર વર્ષે (કદાચિત્ પાળવા માટે?) મન-કમનથી લેવામાં આવતા અત્યંત લાભકારી સરળ નિયમ-સંકલ્પને પણ પળભરમાં તહસનહસ કરવાની જે મિત્રોને ટેવ છે, તે સર્વ મિત્રો, નવા વર્ષથી જીવન વિકાસ ઉપયોગી તમામ સંકલ્પને સાચા દિલથી પાળવાની આદત જરૂરથી પાડશે અને પોતાના વ્યક્તિત્વને નુકશાન કરનારા, દુર્ગુણરૂપી દલા તરવાડીને, સદ્ગુણરૂપી વશરામ ભુવા જેવી દૃઢતા દાખવી, નબળી મનોવૃત્તિને જ્ઞાનના કૂવામાં, ઊંધા માથે દસ-બાર ડૂબકીઓ ખવડાવીને, પોતાના આવનાર સમયને સુધારવાનો નમ્ર પ્રયાસ જરૂરથી કરશે..! તોપછી ચાલો, બાળકો, યુવાનો, 

માતાપિતા, વાલીઓ તથા સમાજના ઉત્કર્ષ કાજે આટલા સંકલ્પ તો આપણે અવશ્ય પાળીએ.

* પોતાના બાળકને યોગ્ય સંસ્કાર આપીએ * ઉપયોગી વાંચન વધારીએ * નાણાંની કિંમત સમજીએ * શરીરને તંદુરસ્ત-નિરોગી રાખીએ.* લક્ષને નવેસરથી બળ આપીએ.* નવાં-નવાં સ્થાને હરતા-ફરતા રહીએ.* શક્ય હોય તેટલી વધારે પબ્લિક ટ્રાન્સપૉર્ટ સિસ્ટમનો ઉપયોગ કરી બચત કરીએ.* હેલ્થ કોન્સિયસ જીવન પદ્ધતિ અપનાવીએ.* ઘર-શેરી-ગામ-શહેરને ચોખ્ખું રાખવામાં સહકાર આપીએ.* નવી શોધખોળથી અવગત રહીએ.* લાગતાવળગતા સર્વેની ભલાઈ અંગે વિચારીને તેના પર અમલ કરીએ.* સ્વજન સાથે વધારે સમય ફાળવીએ.* ટીવી-કમ્પ્યુટર માટે માત્ર જરૂર મુજબ સમયપત્રક બનાવી તેનો ચુસ્ત અમલ કરીએ. * ફાલતુ ટીવી સિરિયલ્સ તથા `ફેસબુક` જેવી સોશિયલ સાઈટ્સ પર વધારે સમય બરબાદ ના કરીએ.* હાથ ધરેલા કાર્ય તેજ સમયે પૂર્ણ કરીએ.* ઘરમાં પોતાનાથી થાય તેવાં કામ જાતે કરવાનો આગ્રહ રાખીએ. * નિયમિત કસરત કરીએ. * મિત્રો સાથે સારા સંવાદની આપલે કરીએ.* શરીર તથા મનને હાનિ પહોંચાડતા વ્યસન માત્રથી દૂર રહીએ. * અભ્યાસ સાથે ફાજલ સમયમાં નાના વ્યવસાય-નોકરી દ્વારા પોતાની કમાણી ઊભી કરીએ. * ઉધારથી દૂર રહી,બચતની ટેવ પાડીએ. * ગત વર્ષે, આપણી સફળતામાં બાધારૂપ બનેલા સંબંધોની બાદબાકી કરી અને મદદરૂપ નવાજૂના સંબંધોનો ગુણાકાર કરીએ.* સામાન્ય બોલચાલમાં મિતભાષી બની જગતને જીતવાની કોશિશ કરીએ.
નવા વર્ષે કેટલાક વધારાના સંકલ્પ.(નહીં નફો, નહીં નુકશાન ના ધોરણે.)
આગામી વર્ષ લોકસભાની ચૂંટણીનું પણ વર્ષ હોવાથી, અમારા ચંપક કાકા, નવા વર્ષે કેટલાક વધારાના સંકલ્પ કરવા, આપને  આગ્રહભરી ભલામણ કરે છે.જોકે,નવ વર્ષના વધારાના સંકલ્પ કરતી વેળાએ એ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છેકે, આ સંકલ્પના પાલન સમયે આપના સંપર્કમાં આવતા આપના સ્વજનો-મિત્રોના માથે જોજો, કોઈ મોટી આફતનાં વાદળ ના વરસે..! આથીજ, વિક્રમ સંવત-૨૦૭૦ના પ્રથમ દિને આપે આ સંકલ્પ કરવા કે ન કરવા તે, આપની મુનસફી પર છોડું છું.
* શેરીમાં રઝળતાં હડકાયાં કૂતરાં અને ચૂંટણી પ્રચારે નીકળેલા નેતાઓથી સંભાળીને બાજુની `પતલી ગલી`માંથી ચૂપચાપ સોંસરો નીકળી જઈશ..! * નેતાઓનાં ભાષણ રૂબરૂ સાંભળવા જવાની તસ્દી કદાપિ નહીં લઉં. ( છાપામાં અથવા તો સ્થાનિક,પ્રાદેશિક કે રાષ્ટ્રિય ચેનલ પર, આ ભાષણ બેચાર દિવસ સુધી તમારા માથે મરવામાં આવશે જ..!) * ભૂલેચૂકે નેતાની રેલીમાં ભાગ લેવાનું મન થશે તો ચેઈનસ્નેચર્સ, પીકપૉકેટર્સ તથા વાહનચોરોથી ખાસ સાવધાન રહીશ..! (જોકે, યેનકેન પ્રકારેણ ચૂંટાયેલા નેતા પણ મારું ખીસું કાપવાના જ છે..!) * મારા મત વિશે ઉંચો અભિપ્રાય રાખીશ, કોઈના દોરવાયા દોરવાઈ નહીં જાઉં. * કોને મત આપવા ઈચ્છું છું, તે બાબત કોઈ સમક્ષ જાહેર નહીં કરું.* રાજનીતિની ચર્ચામાં કારણ વિના ઝંપલાવી, કોઈની સાથે વ્યર્થ દલીલ કે ઝઘડો નહીં કરું.
મિત્રો, આપ તો જાણો જ છોકે, નામદાર સુપ્રીમ કૉર્ટે તાજેતરમાં ચૂંટણીના એ.વી.એમ. મશીનમાં `Non Of The Above`(NOTA)ની  નાપસંદગીનું એક વધારાનું બટન લગાવવા ચૂંટણી પંચને આદેશ આપ્યો છે..! આમેય, ઈશ્વરે આપણને વરદાનરૂપે બક્ષેલા અમૂલ્ય માનવજીવન માટે આપણા હ્રદયમાં દરેક કાર્ય માટે પસંદ-નાપસંદીનાં બટન ક્યાંક તો ફીટ કરેલાં હશે જ ને..! તો ચાલો, આપણે પણ, આપણા હ્રદયમાં ફીટ કરેલું આવું જ એક `NOTA` બટન શોધીને, આપણી રોજિંદી કાર્યશૈલીમાં આપણા વ્યક્તિત્વ-પરિવાર-સમાજ તથા માનવતા વિરુદ્ધ જણાતા તમામ નઠારા કાર્ય માટે `Non of the Above`નું બટન વારંવાર દબાવતા રહીએ. આમ તો, મારું એમ માનવું છેકે, આ `NOTA` બટન નામના અમોઘ બટનનો, સર્વશ્રેષ્ઠ ઉપયોગ પૂજ્ય મહાત્મા ગાંધી બાપૂએ જીવન પર્યંત કર્યો હતો.
જોકે, ઘણા બહાનાંબાજ સંકલ્પ શૂરવીરોને, સંકલ્પ પાલન ન કરવા માટે, બહાનાં પણ જીભના ટેરવે જ વસવાટ કરતાં હોય છે.વળી, આ શૂરવીર સંકલ્પબાજનાં અમુક બહાનાં ભલે સંપૂર્ણ ધરાર અસત્ય હોય પરંતુ તે રજૂ કરે ત્યારે એટલાં આભાસી વાસ્તવિક જણાય કે તેની સામે ખુદ સંકલ્પ મહાશયની પોતાની બોબડી પણ બંધ થઈ જાય..! એટલુંજ નહીં પણ, આ શૂરવીરને જેમણે સંકલ્પ લેવરાવ્યો હોય તે, માતાપિતા, ગુરુ, મિત્ર અથવા અન્ય સ્વજન, જો આ અસત્ય બહાનાંને સત્ય માની લઈ, તેની સત્યતાનું પ્રમાણ શોધવા નીકળે તો ઢગલાબંધ પ્રમાણ પણ જરૂરથી મળી આવે..! હે...રા..મ..! હ..શે,જેવી હરિની ઇચ્છા, બીજું શું..!
જુઓને, નવલી નવરાત્રિમાં અત્યારે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે,અમારી સોસાયટીના ચોકમાં કોઈ ભગત મોટા અવાજે માઇકમાં ગાઈ રહ્યા છે.
"મારી સાસુ એ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યુંકે સોડમાં દીવો મેલ."
હું જાણું છું આ લેખનું સાચા દિલથી પઠન કરવા  છતાં, કેટલાક ભોળભટાક શૂરવીર સંકલ્પવીરો  જાતે કરેલા સંકલ્પની સોડમાં જ દીવો મેલશે..!
પરંતુ, ઊભા રહો..! ના..ના..એમ નહીં..ચાલે,આ નવા વર્ષે, આપણે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ..! યાદ રાખો, દીપાવલીના દીપ પ્રકાશે આપણે માત્ર સમગ્ર નવા વર્ષને જ પ્રકાશમય નથી કરવાનું પરંતુ, આપણા આત્માને પણ નવેસરથી તેજોમય કરવાનો છે. આપ સાચે જ ચિંતામુક્ત,આનંદ સાથે આવનાર નવ વર્ષની પ્રત્યેક ક્ષણને પરમ શાંતિ સાથે ગાળવા માંગતા હોય તો, ચાલો મિત્રો, આપણે ઉપર દર્શાવેલા સરળ અને સહજ સંકલ્પને, ખરેખર પાળવા માટે મનમાં ધરીએ કારણકે, સંકલ્પ પાલન દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનયોગ અને ભક્તિયોગની અનન્ય સિદ્ધિપ્રાપ્તિ, તે જ છે,` આનંદમય જીવનનું રહસ્ય`.
" ॐ सर्वे भवन्तु सुख़िनः , सर्वे सन्तु निरामयाः।
  सर्वेभद्राणि पष्यन्तु, मा कश्चित्दुःख  भाग भवेत॥" ( उपनिषद)
અર્થાત્- સર્વજન સુખી થાવ, સર્વજન નીરોગી રહો, સર્વના જીવનમાં, મંગળ પ્રવર્તે તથા કોઈના જીવનમાં દુઃખની છાયા ન પડે.
પ્રિય મિત્રો,નવવર્ષ પ્રભાતના નવ સંકલ્પ પાલન થકી, ઈશ્વર આપને તથા આપના સમગ્ર પરિવારને, અનેરી ભક્તિ, અસીમ શક્તિ, પ્રબુદ્ધ બુદ્ધિ, અગાધ જ્ઞાન, અમાપ રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ, અનેરાં માન-સન્માન, મધમીઠી સતવાણી અને અપાર લક્ષ્મી અર્પે, તેવી હ્રદયપૂર્વકની અભ્યર્થના તથા નવ વર્ષના તમામ સંકલ્પપૂર્તિ શુભેચ્છાસહ, સર્વે વિદ્વાન પાઠક મિત્રોને, મારા તથા `પાંચમી દિશા પરિવાર તરફથી, શુભ દીપાવલી અને નૂતનવર્ષાભિનંદન.
માર્કંડ દવે. તાઃ ૭ ઑક્ટોબર ૨૦૧૩.

1 comment:

  1. Jitendra Padh
    8:26 PM (13 hours ago)

    jai maa gurjjari.navavaras na nutanvarsabhinandan.panchmidisha diwali ank mokalvabaddal abhaar.Abhaar etalamate ke tamaru title..sudar chhe.choti jagir patrakarita chhe to pachami jagir vachak chhe,atale garbhit arth vachak ni chahna nu rakhopu karvani tamari tamanna.Abhiyasu Kalam mate shabdo na hoy......anterni uchhalati urmi o ma sadechchha o ni prathana hoy..Kalam Kagal ni bramputra ni safar avirat pane akhad chalti rahe te vi Dwarkadhish,Gaytrimata pase prathana...cel phone uper avaaj sabhalvani echcha che..sarve parivaar mate subhechchha.....jitendra padh....Vashi.Navimumbai. Editor NutanNagari Gujarati athavaadik chhapu..9 ma varasa ma pravesh.....apnijan mate........apno sehadhin......jati bandhu..avajooo phari malishu......

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.